
ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા.
આ સ્થિતિને તાત્કાલિક સંભાળવા માટે DGVCLની અંદર 50થી વધુ વિભાગીય અને 33 કોન્ટ્રાક્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી.ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ-રાત કામ કરીને ખોરવાયેલા વીજ થાંભલાઓ અને લાઇનોની સમારકામ કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ શહેરના 25 જેટલા ફીડરોને પ્રાથમિકતા આપી ઝડપથી પુનઃસક્રિય કરવામાં આવ્યા હતા.બીજા જ દિવસે સાંજ સુધી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
DGVCLએ પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ભરૂચ સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો. આ સમયગાળા દરમિયાન આશરે 1200થી વધુ ગ્રાહકોની ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 800 જેટલી તાત્કાલિક ઉકેલવામાં આવી હતી.
ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ.આર. મોદીએ માહિતી આપી કે,“અતિવૃષ્ટિ અને પવનના કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ વીજ લાઈનો પર પડતા ભારે નુકસાન થયું હતું.305 HT તથા 206 LT થાંભલાઓ અને છ ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું હતું,જેને ટીમોએ ઝડપી ગતિએ પુનઃસ્થાપિત કર્યા. કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન,લેડર વાન અને ક્રેન જેવી સાધનોનો અસરકારક ઉપયોગ થયો હતો.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આવી પરિસ્થિતિમાં અમારા ફોન સતત વ્યસ્ત આવતા હોય જેના ભાગરૂપે DGVCL દ્વારા એક ટોલ ફ્રી 19123 કંમ્પ્લેઈન નંબર જાહેર કર્યો છે જેમાં 120 જેટલા કર્મીઓ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે જે તમારી ફરિયાદ નોધી તેમને તેનો મેસેજ પણ પ્રાપ્ત થશે અને તમારી ફરિયાદની કામગીરી પૂર્ણ થયા બાદ પણ તે તમને પૂછશે કે તમારી ફરિયાદની કામગીરી થઈ કે નહીં. આ સિવાય 1800 233 3003 પર પણ તમારી ફરિયાદ નોંધાવા માટે અપીલ કરી છે.