
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. જેના કારણે સમગ્ર ગુજરાત હાલ તો હાઇએલર્ટ પર છે. તેમાં પણ ભરૂચ દરિયા કિનારા નજીકનો જિલ્લો હોવાના કારણે પોલીસ વધારે સતર્ક છે. દરમિયાન યુવકે ટિખલી કરતા પોલીસ દોડતી થઇ હતી. ભરૂચ પોલીસની સતર્કતાના લીધે સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચકચાર મચી ગઇ હતી પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરી ધમકી આપી હતી. ધમકીના પગલે સ્વામિનારાયણ મંદિર ખાતે બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મંદિર ખાતે પોલીસનાં ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવી હતી.
જો કે પોલીસ દ્વારા સધન ચેકિંગ બાદ કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. કોલ કરી ધમકી આપનાર આરોપી તોસીફ આદમ પટેલની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પારિવારિક વિવાદમાં આરોપીએ ધમકી આપી હોવાની કબુલાત કરી હતી. પરિવારજનોને ફસાવી દેવા માટે સમગ્ર કાવતરું ધડ્યું હતું.