
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમઢીયાળા ગામ નજીક મોડી રાતે એક ખાનગી કંપનીની પવનચક્કી અચાનક તૂટી પડી હતી. સમઢીયાળા અને નીલવડા ગામની વચ્ચે સ્થાપિત આ પવનચક્કીનો અડધો ભાગ 66 કેવી વીજલાઇન પર પડ્યો હતો. આ કારણે તુરંત જ આગ લાગી હતી. આગની જ્વાળાઓ બે કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી.
ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. પવનચક્કી કયા કારણોસર તૂટી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. કંપની દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે. દુર્ઘટનાના કારણે આસપાસની વીજલાઇનો બંધ થઈ ગઈ હતી. સમઢીયાળા અને આસપાસના વાડીસીમ વિસ્તારમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો. મોડી રાત સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
આ પંથકમાં આ બીજી ઘટના છે. અગાઉ ખાખરીયા ગામે એક ખાનગી કંપનીની પવનચક્કી ટ્રાયલ દરમિયાન તૂટી પડી હતી. જેમાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. બે વાર આવી ઘટના બનતા પવનચક્કીઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. આસપાસના ખેડૂતો સુરક્ષાને લઈને ચિંતિત છે. તંત્ર પાસે યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે.