ભરૂચ – ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મરચાંની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા ૫ થી ૬ લાખનું ચોખ્ખો નફો મેળવી રહ્યા છે સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે.
બી.એસ.સી. કેમિસ્ટ સાથે સ્નાતક થયેલા ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ૨૦૦૮ના વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. તે સમયે મને નોકરી પણ મળી શકે તેમ હતી પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી હું ખેતી તરફ વળ્યો હતો. શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો પરંતુ છેલ્લા ૪ વર્ષથી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે ગુણવત્તા યુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યો છે.
તેમની પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતા ઉમેર્યું હતું કે, શરૂઆતમાં બે વર્ષ પ્રાકૃતિક કૃષિથી ઓછું ઉત્પાદન થયું હતું પરંતુ બાદમાં ઉત્પાદન વધતું જાય છે અને ખર્ચ શૂન્ય થાય છે સાથે જમીન પણ ફળદ્રુપ જળવાઈ રહે છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અમને જે રીતે તાલીમ આપવામાં આવતી તે રીતે કૃષિ કરતો ગયો. તેમજ ૦૭ વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી પાક ઉત્પાદન મેળવી રહ્યો છું ચાલુ વર્ષે લીધેલા મરચીના પાકમાંથી મને પાંચ લાખ રૂપિયાનો નફો થયો છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો આજે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આવતી પેઢી માટે જમીન બચાવી શકીશું.