અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં અંકલેશ્વરમાં 2 ઇંચ 9 મિમી અને હાંસોટમાં 1 ઇંચ 6 મીમી વરસાદ નોંધાયો હતો. સવારે સંજય નગર અને દીવા રોડ આવેલ નીચાણવાળી સોસાયટી માં પાણી ફરી વળ્યા હતા. જલારામ નગર સહીત આજુબાજુ ની સોસાયટી તેમજ મંગલમૂર્તિ સોસાયટી રોડ અને પીરામણ ગામ ની વિવિધ સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. અંકલેશ્વર શહેર, જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા થી ભારે વરસાદની આગાહી કરી છે. સિઝનમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને માવઠાથી નુકસાન થવાની દહેશત સતાવી રહી છે.