આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી મળતી રહે તે માટે વિકાસનાં વિવિધ કામો ગામ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેક-ડૅમ બનાવવા, રોડ-રસ્તા બનાવવા,તળાવો ઊંડા કરવાં વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે.કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ 86000 કરોડ રૂપિયાનું છે.પરતુ ખોટા બીલો રજુ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કરેલ છે, આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠેલ છે.વળી, જો ત્રણ ગામોમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડ થઇ ગયું હોય તો તમામ તાલુકાઓનું મળીને આ કૌભાંડ કેટલું મોટું હશે ? જેથી આ કૌભાંડી મંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને એની સામે સઘન તપાસ બેસાડવામાં આવે તેવી માગ કરાઈ છે.