
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના એક શિક્ષકે સગીર વયની આદિવાસી વિદ્યાર્થીનીને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી તેણીના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, રાજપારડી ખાતે રહેતા સાજીદ હુસેન વાઝા નામનો ઈસમ રાજપારડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, સાજીદ વાઝા નામના આ શિક્ષકના હાથ નીચે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેને ગણિતના દાખલા શીખવવાના બહાને તેના ઘરે બોલાવી હતી, દાખલા શીખવવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ સગીરાના માતા-પિતાને અપશબ્દો બોલીને યુવતીને બે તમાચા માર્યા હતા, આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજીદ હુસેન વાઝા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને બનાવની જાણ થતા છેડતીનો ભોગ બનેલી યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી,અને તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતી, સાંસદે રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઇ અને ભરૂચ જિલ્લાના એસ.પી.પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને રાજ્ય ગૃહમંત્રીને પણ સવાલો કર્યા હતા.જ્યારે મનસુખ વસાવાએ પોલીસ આરોપીને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.