
રાજ્યમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી જેનો માર્ગ હવે મોકળો થયો છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઈ છે. ગ્રામ પંચાયતોમાં સામાન્ય,મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની બાકી હોવાથી આજે તેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેક્ટરો સાથે તમામ તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરી હતી.

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 22 જૂને રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે.
1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 22 જૂને સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 16500 મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 28300 જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે.
44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે થઈ ચૂકી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોયલેટ માટે એફિડેવિટની જરૂર નથી પણ સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહેશે. 44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં મોડુ થયું છે. ઝવેરી કમિશનની અમલવારી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અમલવારી કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર
તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસાની સિઝનમાં અગાઉ પણ ચૂંટણી યોજાઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કડી વિધાનસભા મત વિસ્તારમાં 103 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે.જ્યારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં 75 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે.30 જૂન સુધીની બાકી રહેતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર રખાઈ છે.જ્યારે 13 થી 22 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા રૂપિયા 30 હજાર રખાઈ છે.22 વોર્ડથી ઉપર ખર્ચ મર્યાદા 45 હજાર રૂપિયા રહશે.