ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી. સમ્મેલન દરમિયાન વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.”સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, “સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.”આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હક્કો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યાં હતા.

