
ગુજરાતમાં આજથી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. જેને લઈને ભાવનગર જિલ્લામાં સોમવારે સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવનને મોટી અસર કરી છે. ભાવનગર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું, રસ્તાઓ બંધ થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ વરસાદે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીઓ વધારી હોવાનું જોવા મળી રહ્યું છે.
ભાવનગર શહેરમાં બપોરના સમયે ગાઢ કાળા વાદળો છવાયા અને ધોધમાર વરસાદે અંધારપટ જેવો માહોલ સર્જ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શિહોર તાલુકાના વરલ અને બુઢણા ગામોમાં સુપડા ધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. આ ઉપરાંત, વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો, જેના કારણે ખોડાપુરથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
બુઢણા અને બાલવાડી વચ્ચેના કોઝ-વે પરના નવા બનેલા રોડના રેલિંગના પતરાં પહેલા જ વરસાદમાં તણાઈ ગયા, જેના કારણે પાલીતાણા-ટાણા રોડ પણ બંધ કરવાની ફરજ પડી છે. વરસાદના કારણે રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે.
મહુવા પંથકમાં પણ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. નદીઓમાં પૂર આવતાં તલગાજરડાની મોર્ડન સ્કૂલમાંથી રાતોલ ગામ જતા 50 જેટલા બાળકો નદીના વહેણમાં ફસાઈ ગયા હતા. આ બાળકોને નજીકના એક મકાનમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા, પરંતુ મકાનની આસપાસ પણ પાણી ફરી વળતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવું પડ્યું હતું. મામલતદાર, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી અને બાળકોને સલામત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ તંત્રને તાત્કાલિક ફોન કરી બાળકોને મદદે પહોંચવા સૂચના આપી હતી. આ ઘટનાએ વાલીઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતી ઘણી ભયંકર સર્જાઈ છે. જેમા રાજુલાના હડમતીયા અને દેવકાની વચ્ચે આવેલી જોલાપુરી નદીમાં પૂરની સ્થિતી જોવા મળી હતી. જેમા પાણીના ભયંકર પ્રવાહમાં અહિંયા 25 જેટલા ઘેટાઓ તણાઈ ગયા છે. જોકે ઘેટાઈ તણાઈ જવાને કારણે સ્થાનિકો દ્વારા તાત્કાલીક ઘેટાઓને બચાવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નદીમાં ભારે પ્રવહા હોવાને કારણે 15 જેટલા ઘેટા તણાઈ ગયા છે. જ્યારે 10 ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા.
માલધારી પરિવારના ઘેટા પુરમાં તણાઈ જવાને કારણે તેમને ભારે નુકશાન થયું છે. ભારે વરસાદને કારણે હાલ જોલાપુરી નદીમાં નવા નીરની આવક ભરપૂર પ્રમાણમાં થઈ છે. જેના પરિણામે નદીમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. પાણીના ધસમતા પ્રવાહમાં જ 25 ઘેટાઓ તણાઈ ગયા હતા. જોરકે સ્થાનિકો દ્વારા પછી 10 ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે 25માંથી 15 ઘેટા તણાઈ ગયા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. શહેરના મણિનગર, ઘોડાસર, ઈસનપુર, નિકોલ, નરોડા અને બાપુનગર અને પ્રહલાદ નગર વિસ્તારમાં બપોરે વરસાદ પડ્યો હતો. સાથેજ શહેરમાં હજુ પણઇ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.