ચોમાસામાં સંભવિત ઋતુજન્ય રોગચાળા સામે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજે શહેરના વારસીયા વિસ્તારમાં પાણીપુરી બનાવી વેચાણ કરતા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ શાખાની ટીમે પુરી બનાવવા માટેના તેલ, ચટણી, બટાકા, ચણા તેમજ મસાલાનું ચેકિંગ કર્યું હતું. તપાસ ટીમોને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી નથી.
શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા 8 ફૂડ ઇન્સ્પેક્ટરોની બે અલગ અલગ ટીમો બનાવી વારસીયા વિસ્તારમાં પાણી પુરી બનાવી વેચાણ કરનારાઓના મકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.શહેરમાં ચોમાસુ શરૂ થતાની સાથે પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા 8 ફૂડ ઇન્સ્પેક્ટરની બનાવવામાં આવેલી બે ટીમો દ્વારા વાઘોડિયા રોડ ખાતે આવેલ ઉકાજીનું વાડીયુ અને વારસિયા સંજય નગરમાં પાણીપુરી બનાવી વેચાણ કરનારાઓની ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં જ્યાં વિપુલ માત્રામાં પાણીપુરીનું પાણી અને તેને સંલગ્ન ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે. ફૂડ ઇન્સ્પેક્ટરોએ સઘન તપાસ કરી ખાદ્ય પદાર્થના નમૂના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.