
ભારતની અંડર-૧૯ ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસની તોફાની શરૂઆત કરી છે. ભારતીય ટીમે પ્રથમ યુવા વનડેમાં યજમાન ઇંગ્લેન્ડને ૬ વિકેટથી હરાવ્યું છે. આ મેચ ૫૦ ઓવરની થવાની હતી પરંતુ ભારતે તેને ટી-૨૦ મેચ બનાવી દીધી. ભારતે આ મેચ ફક્ત ૨૪ ઓવરમાં એટલે કે ૧૫૬ બોલ બાકી રહેતા જીતી લીધી. ભારતની જીતમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ રન બનાવ્યા. ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર ૧૯ બોલમાં ૪૮ રન ફટકાર્યા. તેની ઇનિંગમાં ૫ છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારતની અંડર-૧૯ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ પહોંચેલી ટીમે પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ યુવા વનડે રમાઈ હતી. ભારતીય બોલરોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની અંડર-૧૯ ટીમને ૧૭૪ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ સંપૂર્ણ ૫૦ ઓવર પણ રમી શકી ન હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેનો ફક્ત ૪૨.૨ ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા.