વાલિયા તાલુકાના વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી હતી, જ્યાં તાલુકાના ડહેલી ગામમાં કીમ નદી પર પુલ બનાવવામાં આવ્યો ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. કેડસમા પાણી માંથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યા યથાવત છે. ગ્રામજનોની માંગ છે કે અહીં એક પુલ બનાવવામાં આવે, જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
વાલિયા તાલુકાના ડહેલી ગામે વસતા આદિવાસી સમાજના લોકો આજના યુગમાં પણ પુલની પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવતાં હાલત વધુ કફોડી બની જાય છે. ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અંતિમસંસ્કાર માટે કીમ નદી પાર કરવાની ફરજ પડે છે, પરંતુ પૂરના પાણીમાં પુલ ન હોવાને કારણે ગામલોકો જીવના જોખમે કમર કે ઘૂંટણસમા પ્રવાહમાં નનામી લઈ નદી પસાર કરે છે.
મંગળવારે સાંજે આવું જ હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું, જ્યારે વાલિયાના ડહેલીમાં કેટલીક વ્યક્તિઓ પોતાના પ્રિયજનની નનામી લઈને ધસમસતા પાણીમાં જીવનું જોખમ લઈને કીમ નદી પાર કરતાં નજરે પડ્યા હતા. ડહેલીનાં ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ પુલિયાની માગ માટે ધારાસભ્યથી લઈને તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર સુધી અવિરત રજૂઆત કરી રહ્યા છે છતાં કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી. તંત્રના આંધળા અને બહેરા વલણથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે.
આ અંગે ડહેલી ગામના નાગરિક સંજય વસાવાએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં જો કોઈનું પણ મૃત્યુ થાય તો અમારું સ્મશાન ડહેલી અને કીમ નદીના સામે પારે આવેલું છે. જો વરસાદ ન હોય તો કેડ સમા અને વરસાદ હોય તો ગળા સુધીના પાણીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે નનામી લઈને સામે પાર જવું પડે છે. આ અંગે અમે અનેક રજૂઆતો કરી છે એમ છતાંય કોઈ કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી, જેથી અમારી માગ છે કે વહેલી તકે નાનો પુલ બનાવી આપવામાં આવે, જેથી અમને કોઈ મુશ્કેલી પડે નહીં.
ગામના બીજા નાગરિક પ્રવીણ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં અમારા સમાજના અનેક લોકો રહે છે, જો ગામમાં કોઈનું મૃત્યુ થાય એટલે મુશ્કેલી આવી પડે છે, કારણ કે અમારું સ્મશાન કીમ નદીના સામે પાર આવેલું છે. મૃતકની નનામી લઈને જવામાં લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. આ અંગે ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆતો કરી છે એમ છતાંય અમારું કોઈ સાંભળતું નથી અને વર્ષોથી અમે આવી જ રીતે અંતિમ યાત્રા લઈને જઈએ છીએ, જેથી વહેલી તકે અમારા માટે પુલ બનાવી આપે એ જ અમારી માગ છે.આદિવાસી સમાજે માગ કરી છે કે ઓછામાં ઓછું અંતિમસંસ્કાર માટે નનામી લઈને લોકો હાલાકી ભોગવ્યા વગર જઈ શકે એવું નાળું કે પુલિયું તાકીદે બનાવવામાં આવે, જેથી માનવમર્યાદા જળવાઈ રહે અને જીવના જોખમે અંતિમ ક્રિયા કરવી ન પડે.