જીસીઈઆરટી અંતર્ગત અંકલેશ્વર અને હાંસોટ ની પ્રાથમિક શાળાઓમાં આજથી નો બેગ ડેની શરૂઆત થઈ છે. આ પહેલ હેઠળ બાળકો દફતર વગર શાળાએ પહોંચી હતી.બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગ ને ધ્યાનમાં રાખીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ ફોનથી બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર થતી નકારાત્મક અસર ને રોકવા માટે દર શનિવારે આ કાર્યક્રમ યોજાશે. વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે એ હેતુસર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા દર શનિવારે તમામ શાળાઓમાં બેગલેસ ડે ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નં.1, ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થી પ્રાર્થના સભા દરમિયાન પ્રાર્થના, બાળગીત, યોગાસન, સમૂહ કવાયત, સામુહિક સફાઈ બાલસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને શાળાના શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે તથા આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના સોપાનો સર થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.