“બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા ત્યાં તેમને પડી જતાં બ્રેઇન-હેમરેજ થઈ ગયું હતું. બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ સુધી ICUમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. આજે (22 જુલાઈ) મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના યાત્રિકનો એક અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ નાચતાંકૂદતાં જોવા મળ્યા હતા.”
“વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર 12 દિવસ પહેલાં વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા, જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર 20 પગથિયાં દૂર હતા ત્યારે તેઓ પડી ગયા હતા અને તેમને બ્રેઈન-હેમરેજ થયું હતું અને જેથી તેમને તરત જ શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોમામાં જતા રહ્યા હતા અને તેમને છેલ્લા 10 દિવસથી ICUમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈ ઉત્તેકરનું અવસાન થયું છે. એને પગલે તેમના મૃતદેહને શ્રીનગરથી બાય પ્લેન કોફીનમાં વડોદરામાં લાવવામાં આવશે.”