
વરસાદની સિઝનમાં અવારનવાર સરિસૃપ પ્રાણીઓ નીકળતા હોય છે ત્યારે વડોદરામાં મહાકાય અજગર જોવા મળતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં આવી હતી આ અંગેનો કોલ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને મળ્યો હતો. વડોદરાના કેલનપુર નજીક આવેલા હેતમપુરા ગામના પ્રતાપસિંહ વાઘેલા તરફથી ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હેતમપુરા ગામ પાસેની આંબાવાડીમાં એક મોટો અજગર બતકના પિંજરામાં ઘૂસી ગયો હતો અને બતકને ગળી ગયો હતો. આ માહિતી મળતાં જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત, સંસ્થાના કાર્યકરો જીતેન્દ્ર તડવી, સુરેશ રાઠોડ, અમિત વસાવા, વિશાલ રાઠોડ અને વડોદરાના વન વિભાગના અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જોતાં, એક આઠ ફૂટ લાંબો અજગર બતકને ગળીને રૂમમાં બેઠો હતો.એક કલાકની ભારે મહેનત બાદ, ટીમે આ અજગરને સહી-સલામત રીતે રેસ્ક્યુ કર્યો અને તેને વડોદરાના વન વિભાગના હવાલે કરવામાં આવ્યો હતો.