Vaat Ankleshwarni

તાજા સમાચાર

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાઆજે ડેમના 5 જેટલા ગેટ ખોલી પાણી છોડવામાં આવી શકે છે ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલી 4.40 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. 70 ટકા કરતા વધુ પાણીનો સંગ્રહ થતા નર્મદા ડેમ એલર્ટ મોડમાં મુકાયો છે. આજે 31 જુલાઈએ સવારે 11 વાગ્યે નર્મદા ડેમના 5 જેટલા દરવાજા ખોલીને કેનાલમાં પાણી છોડવામાં આવી શકે છે.

સરદાર સરોવરના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલી 30 જુલાઈના સાંજે 5 કલાકે 4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી રાત્રે સરદાર સરોવર નર્મદામાં આવતા ડેમની સપાટીમાં વધારો નોંધાશે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 128.67 મીટર પર પહોંચી ગઈ છે.

નર્મદા ડેમના ઉપરવાસમાંથી 2,44,680 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે પાણીની જાવક 41,945 ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 128.67 મીટરે પહોંચી છે. 12 કલાકમાં 1.5 મીટરનો વધારો નોંધાઈ રહ્યો છે.

ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હજુ 10 મીટર જેટલી સપાટી બાકી છે. પરંતુ ચોમાસાની આખી સિઝન બાકી છે. ડેમમાં 70 ટકા કરતા વધારે પાણી ભરાતા નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 6622 MCM છે. નર્મદા ડેમની જળસપાટી પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

હાલ પાણીની આવકને પગલે RBPH ના 6 ટર્બાઇન ધમધમી રહ્યા છે. CHPH પાવર હાઉસ પણ ચાલુ છે. પરંતુ પાણીની જાવક કરતા આવક વધુ હોવાથી નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે 6 થી 7 સેમી જેટલી વધી રહી છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલું 4,40,965 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે ત્યારે મોટી જળરાશી ભેગી થશે. નિયત જળરાશિ કરતા પાણીનો સંગ્રહ વધી જશે તો નર્મદા ડેમના ગેટ ખોલવાની પણ ફરજ પડી શકે છે.

error: Content is protected !!
Scroll to Top