Vaat Ankleshwarni

તાજા સમાચાર

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા છે. જળ સપાટી 131 મીટરને પાર થઇ છે.

  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ઓવરફ્લોથી 7 મીટર દૂર છે.
  • ⁠દર 2 કલાક 33 સેમી નો વધારો થઇ રહ્યો છે.
  • ⁠વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાનાં ગામોને એલર્ટ કરાયા છે.
  • ⁠ડેમ 70 ટકા ભરાઈ જવા સાથે કુલ સંગ્રહ ક્ષમતા 75.60% પાણીનો સંગ્રહ થયો છે.
  • ⁠આવતીકાલે નદીમાં 2.86 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરાઈ છે.

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31 જુલાઇ 2025) સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને ‘વોર્નિંગ સ્ટેજ’ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.

ડેમમાં હાલ 4,22,495 ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે, જેને કારણે કુલ સંગ્રહ ક્ષમતાના 75.60% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જે 7151.67 MCM (મિલિયન ક્યુબિક મીટર) થાય છે. પાણીના આ ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે, ડેમના 5 દરવાજા 2 મીટર સુધી ખોલીને નદીમાં 85,367 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કેનાલમાં 4,190 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

સરદાર સરોવરના ઉપરવાસના કેચેમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30 જુલાઈના રોજ સાંજે 5 કલાકે 4,40,965 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતાં એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે.

હાલમાં નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો થયો છે અને પાણીના સંગ્રહમાં પણ 6.57%નો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી નર્મદા ડેમની જળસપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા અને રૂલ લેવલ જાળવવા માટે આજે સિઝનમાં પહેલીવાર ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા.

ચોમાસાની આખી સિઝન હજુ બાકી છે અને ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં એ ‘વોર્નિંગ સ્ટેજ’ પર આવી ગયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં થઇ રહેલા વધારો ચાલુ વર્ષે સારા ચોમાસાના સંકેત આપે છે અને ગુજરાતના ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે આશાસ્પદ સ્થિતિ નિર્માણ કરે છે. ડેમની જળસપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલની પાણીની આવકને પગલે ડેમના RBPH (રિવરબેડ પાવર હાઉસ)ના ટર્બાઇન ધમધમી રહ્યા છે અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) પણ ચાલુ છે, જેનાથી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

જો આ જ પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે, તો આવતીકાલે શુક્રવાર (ઓગસ્ટ 1) સવારે 8 કલાકથી લગભગ 2.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સૂચવે છે કે, ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ હજુ પણ પુષ્કળ માત્રામાં આવી રહ્યો છે અને ડેમ તેની ભયજનક સપાટીની નજીક પહોંચી રહ્યો છે.

આ પૂર્વચેતીના પગલારૂપે નર્મદા નદીના કાંઠાનાં ગામો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદીકિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

error: Content is protected !!
Scroll to Top