Vaat Ankleshwarni

તાજા સમાચાર

જન્મ દિવસે જ પુનઃ ઘનશ્યામ પટેલ દૂધધારા ડેરી ના પ્રમુખ બન્યા હતા. સંજયસિંહ રાજ અને નર્મદા વસાવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ હતી.

ભરૂચ દૂધધારા સહકારી દૂધ ઉત્પાદક ડેરી ના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં ઘનશ્યામ પટેલ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સંજયસિંહ રાજ અને નર્મદા વસાવા ઉપપ્રમુખ તરીકે વરાયા છે. ડેરીની સામાન્ય ચૂંટણી દરમિયાન વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ પક્ષના હાઈકમાન્ડ વિરુદ્ધ જઈને પોતાની પેનલ ઉતારી હતી, જેના કારણે વિવાદ થયો હતો. જોકે, ઘનશ્યામ પટેલની પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી.6 ઓક્ટોબરના રોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણીની અધ્યક્ષતામાં અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.પ્રમુખ પદ માટે ઘનશ્યામ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ પદ માટે સંજયસિંહ રાજે ઉમેદવારી કરી હતી. નર્મદા વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ નિયમ મુજબ એક જ ઉપપ્રમુખની પસંદગી થતી હોવાથી તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી. જોકે, બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નર્મદા વસાવાને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરતા ડેરીમાં બે ઉપપ્રમુખ બન્યા હતા. વિજેતા ઉમેદવારોને સમર્થકોએ વધાવ્યા હતા.ડેરીનું સુકાન ફરી સંભાળતા ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલકો માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનની નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. સાબરકાંઠાની જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવું વાતાવરણ ઊભું કરાશે. નોંધનીય છે કે, ઘનશ્યામ પટેલે ડેરીનું નેતૃત્વ ફરી સંભાળ્યું તે જ દિવસે તેમનો જન્મદિવસ પણ હતો, જેના કારણે સમર્થકોમાં બમણી ખુશી જોવા મળી હતી.

error: Content is protected !!
Scroll to Top