
વર્ષો જૂના અને જરજરીત રસ્તાના કારણે વિસ્તારના લોકો લાંબા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. અનેક રજૂઆતો બાદ, સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ માર્ગના સુધારણા કામને મંજૂરી મળી હતી. વરસાદી મોસમ અને ગટરલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે સી.સી.રોડ અને પેવર બ્લોકની સુવિધા પૂરી પાડવાનું કામ શરૂ થયું છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રચના નગર વિસ્તારમાં આ નવી સુવિધાથી નાગરિકોને સરળ અને આરામદાયક મુસાફરી મળશે તેમજ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે. નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, વોર્ડના નગરસેવકો તેમજ વિવિધ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે ચોમાસું પૂર્ણ થતાં શહેરના મુખ્ય માર્ગો પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને દિવાળી પહેલા લોકોને તકલીફ ન પડે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે.

