દીપડો સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો, જેના વીડિયો વાયરલ થયા છે.

વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. શિકારની શોધમાં દીપડાઓ હવે માનવ વસવાટવાળા વિસ્તારોમાં પણ પ્રવેશી રહ્યા છે. તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી દીપડાઓ જંગલ વિસ્તારમાંથી સરળતાથી શિકારની શોધમાં આવી જાય છે. વાલિયા-માંગરોલ માર્ગ પર આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં દીપડો દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દીપડો ઘરની નજીકની ઝાડીમાં છુપાયેલો અને સોસાયટીમાં લટાર મારતો સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

