
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.અગાઉ પોલીસ,મહેસુલ વિભાગના કર્મચારીઓ અને હવે રાજ્યના શિક્ષકોની રજા રદ કરી દેવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે.
ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી, ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આ નિર્ણય મુજબ, આવતી 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી ગ્રાહ્યમંત્રીએ હર્ષ સંઘવીએ જાહેરમાં અપીલ કરી છે કે તમામ નાગરિકોએ સરકારની જાહેર કરેલી માર્ગદર્શિકા અને આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તેઓએ કહ્યું કે આ પગલાં તમારી અને તમારા પરિવારની સલામતી માટે છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સહયોગ આપવો જરૂરી છે. સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. માત્ર ફટાકડા નહીં, પણ ડ્રોન ઉડાડવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિના કારણે અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓથી બચવા માટે આ પગલાં જરૂરી ગણવામાં આવ્યા છે.
