- ઠેકરનાથ સ્મશાન પાસે પાર્કિંગ કરેલી ઈક્કો કારમાં આગ
- ફાયરની ટીમે આગ ઉપર કાબૂ
આ બનવાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કારચાલક સૈયદ સરફરાજે પોતાની ઇકો કાર ઠેકરનાથ સ્મશાન પાસેના રોડ પર પાર્ક કરી હતી. કાર લોક કરીને તે નજીકમાં જ ઉભા હતા, ત્યાં અચાનક કારમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળવા લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં સરફરાજે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની તીવ્રતા એટલી હતી કે, તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા
કારના ચાલક સૈયદ સરફરાજે જણાવ્યું, “મેં કાર પાર્ક કરી અને લોક કરીને બાજુમાં ઉભો હતો. અચાનક જ કારમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. મેં તરત જ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, આગ લાગવાનું કારણ શું હોઈ શકે તે અંગે તેમને કોઈ ખ્યાલ નથી.
ફાયર વિભાગના કર્મચારીએ જણાવ્યું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે ટેક્નિકલ ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. રોડ પર પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટનાએ વાહનચાલકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આવી ઘટનાઓ ટાળવા માટે વાહનોની નિયમિત ચકાસણી અને જાળવણી જરૂરી છે. આ ઘટનામાં ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી અને સ્થાનિકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી છે. જોકે, ઇકો કારનું સંપૂર્ણ નુકસાન થયું છે. હવે પોલીસ અને ફાયર વિભાગની ટીમ આગના કારણોની તપાસ કરી રહી છે.