અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ESIC હોસ્પિટલમાં આજે સવારે આકસ્મિક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલમાં આગની સ્થિતિમાં કરવામાં આવતી કામગીરીની તૈયારીઓની ચકાસણી માટે આ મોકડ્રિલ યોજવામાં આવી હતી.અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સૌ પ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. દર્દીઓને સલામત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી.મોકડ્રિલ દરમિયાન અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ અને ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. તેમણે હોસ્પિટલની સુરક્ષા અને સલામતીના પગલાંની વિગતવાર ચકાસણી કરી.આ મોકડ્રિલથી કટોકટીની સ્થિતિમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનની તત્પરતા અને સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.