
ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત શહેરી વિસ્તરના પ્રખ્યાત માતરીયા તળાવથી કરવામાં આવી હતી, જે સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઊર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી.
આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રાની આગેવાની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી. સાથે સાથે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નાદે વાતાવરણ ગૂંજતું થયું હતું.આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશસેવાનું પ્રેરણાસ્ત્રોત બનવા જેવી હતી.