કહેવાય છે કે, ખેડૂતો માટે બહુહેતુ ફળપાક એટલે ફણસની ખેતી… જોકે, મોટાભાગના ખેડૂતો દ્વારા ફણસ એટલે કે, જેકફ્રૂટની ખેતી કરવામાં આવે છે. કારણ કે, તેની ખેતી માટે ખેડૂતોએ વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. ફણસનો છોડ ઘણા વર્ષો સુધી ફળ આપે છે. એવામાં જો ખેડૂતો પોતાના ખેતરમાં ફણસની ખેતી કરે, તો તેઓ ઘણા વર્ષો સુધી સરળતાથી મોટી કમાણી કરી શકે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાંસીયા ગામના ખેડૂત અંકુર વસાવાએ પોતના ખેતરમાં ફણસની સફળ ખેતી કરી બતાવી છે. ફણસના વૃક્ષ 80 ફૂટ સુધી ઊંચા હોય છે. એક વૃક્ષ પર 30થી 35 ફળ લાગે છે. ફણસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય છે, અને સાથે જ આ ફળ માનવ શરીર માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ફણસમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયલ તેમજ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જેને આરોગવાથી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, ત્યારે કાંસીયા ગામના ખેડૂત અંકુર વસાવા ફણસની ખેતી કરી મબલક આવક મેળવવા સાથે અન્ય ખેડૂતોને પણ ફણસની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.