ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગોવાલી ગામ નજીક ઝઘડીયા પંથકમાં આવેલ બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં “કેચ ધ રેઇન” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જેનો મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. દેશના દરેક જિલ્લામાં 75 તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરે, ગામડે-ગામડે, શહેરે-શહેરે, વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી બતાવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જળ સંરક્ષણવિદ મયંક ગાંધી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા, આગેવાન મુકેશ પટેલ, બોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા, વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકા, બોરોસિલ રિન્યૂએબલ્સના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.