

ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટૂ ડોર યોજના હેઠળ એકત્ર કરાયેલ ડોમેસ્ટિક વેસ્ટ ગેરેજમાં ઠાલવવામાં આવતા આસપાસની ચાર સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.કચરાની તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓએ પરેશાન થઈ રવિવારે રામધૂનના કાર્યક્રમ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે દરરોજ અહીં લાવાતા કચરામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસ રહેતા વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ સ્થિતિ અસહનીય બની ગઈ છે.સ્થાનિકોના રોષ સામે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે નિવેદન આપ્યું છે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તંત્ર નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલુ કચરો અહીં લાવીને મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધ નાશક કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવે છે.