
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વસંતદાદા પાટિલના પુત્રવધૂ જયશ્રી પાટિલ આજે તેમના સાંગલી જિલ્લાના સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
વસંતદાદા પાટિલની પુત્રવધૂના કોંગ્રેસ છોડવાથી ભાજપને ઘણો ફાયદો થશે. જયશ્રી પાટિલના ભાજપમાં જોડાવાથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપની તાકાત વધશે અને ખાસ કરીને મરાઠા વોટ બેંક ભાજપ તરફ આવશે. અત્યાર સુધી મરાઠા વોટ બેંક શરદ પવાર, અજિત પવાર, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી પરંતુ હવે ભાજપ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટિલના પરિવારને ઉમેરીને પણ પોતાનું વર્ચસ્વ વધારશે.
વસંતદાદા પાટિલ મહારાષ્ટ્રના એક અગ્રણી રાજકારણી હતા, જે સ્વતંત્રતા સેનાની પણ હતા. તેમનો જન્મ ૧૩ નવેમ્બર ૧૯૧૭ ના રોજ સાંગલી જિલ્લાના પદમાલે ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો અને ૧ માર્ચ ૧૯૮૯ ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમની મજબૂત પકડ હતી.
વસંત દાદાએ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા નેતાઓ પાસેથી પ્રેરણા લીધી હતી અને સત્યાગ્રહી તરીકે ઘણી વખત જેલમાં ગયા હતા. તેઓ સાંગલીમાં બ્રિટિશ શાસન સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ હતા, જેમાં એક ઘટનામાં તેમને ગોળી વાગી હતી.તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. તેમણે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. તેમના સહકારી કાર્ય માટે તેમને ૧૯૬૭ માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
1978 માં, શરદ પવારે વસંત દાદાની સરકાર સામે બળવો કર્યો, જેના કારણે તેમની સરકાર પડી ગઈ. વસંત દાદાએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો પ્રભાવ વધાર્યો અને સામાજિક એકતા પર ભાર મૂક્યો. વસંત દાદા તેમની સાદગી, વ્યવહારિકતા અને જનતા સાથેના જોડાણ માટે જાણીતા હતા. લોકો તેમને પ્રેમથી “દાદા” કહેતા હતા.