
ભૂવા નગરીનું બિરુદ ધરાવતા વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતથી ભૂવા પડવાની શરુઆત થઈ ગઈ છે. આજે(18 જૂન) અકોટા-મુજમહુડા રોડ પર ત્રીજો ભૂવો પડ્યો હતો. ગત વર્ષે આ રોડ પર 17 ભૂવા પડ્યા હતા. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં ભૂવા ન પડે તે માટે કોંગ્રેસ કાર્યકરે હવન કર્યો હતો. આ ભૂવા હવનમા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. લોકોએ હવે ભૂવા ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાનુ યથાવત છે. ત્યારે આજે વડોદરાના મુજમહુડા ત્રણ રસ્તા પાસે મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવાના કારણે વાહનવ્યવહાર પર અસર પડી હતી. સ્થાનિક લોકોએ આ ભૂવામા કોઇ અકસ્માત ન સર્જાય તે માટે બેરીકેટ મુકી દીધા હતા. પસાર થતા રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આજે પડેલા ભૂવા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે અનોખી રીતે વિરોધ કર્યો હતો. ભૂવાની સામે બેસી પૂજા-પાઠ કરી હવન કર્યો હતો. આ ભૂવા હવનમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને સાથે પૂજા-અર્ચના કરી હતી.

ભૂવા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆત સાથે ભૂવા પડવાની શરુઆત થઈ ગઈ છે. આજે ત્રીજો ભૂવો પડ્યો છે. ગત વર્ષે 17 ભૂવા પડ્યા હતા. નવાઇની વાત એ છે કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ભૂવા પડી રહ્યા છે. જેટલો મોટો ભૂવો એટલો મોટો ભ્રષ્ટાચાર. આગામી દિવસોમાં શહેરમાં ભૂવા ન પડે તે માટે આજે ભૂવા હવન રાખવામાં આવ્યો છે. અને તંત્ર સારી કામગીરી કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.