અંકલેશ્વર ની હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથનાં મંદિરે પૂજા અર્ચના અને આરતી બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રામકુંડ ના મહંત ગંગા દાસજી બાપુ સહિત સંતો-અને આગેવાનો દ્વારા મંદિર પ્રાંગણ માં પહિંદ વિધિ કરી હતી. તેમજ આરતી કરી, રથ આગળ ઝાડુ લગાવી ને અંતે રથ ખેંચી ને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અષાઢી બીજ નાં પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથ ના જયઘોષ સાથે વાજતે ગાજતે ભજન મંડળી સહીત કીર્તનકારો અને બેન્ડ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડ, જલારામ મંદિર, બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા થઇને મુખ્ય માર્ગ ઉપર થઇ, ચૌટા બજાર સહીત ની મુખ્ય બજારો અને શહેરના અન્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી મુસ્લિમ સમાજ ના આગેવાન પણ રથયાત્રા માં જોડાઈ ને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો. રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારા દર્શન આપતા ભક્તો ભાવ વિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રામકુંડ મંદિર તેમજ તાલુકા ભાજપ દ્વારા વિશેષ પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ ના જીતુ ભાઈ પટેલ ની આગેવાની હેઠળ ભવ્ય રથયાત્રા ને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહીત શહેર, તાલુકા ભાજપ કાર્યકરો આગેવાનો સહિતના આગેવાનો જોડાયા હતા. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડી.વાય.એસ. પી ડૉ. કુશલ ઓઝા ની રાહબરી હેઠળ 350 વધુ પોલીસ અને સુરક્ષા જવાનો યાત્રા સાથે ખડેપગે રહી યાત્રા પૂર્ણ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ કરતા ચાલુ વર્ષે ભક્તો નું હુજમ મોટી સંખ્યા માં જોવા મળ્યું હતું.