વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં શનિવારે(12 જુલાઈ) મોડી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પોલીસ કમિશનર બંગલો સામે જ બેફામ કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે દારૂના નશામાં ધૂત સુરતના રહેવાસી કાળુભાઈ જોધાભાઈ સાટીયાએ આ કાંડ બાબતે નફ્ફટાઈથી કહ્યું હતું કે, હું સુરતનો રહેવાસી છું અને અમદાવાદ ગયો હતો. અમદાવાદથી નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ચાલુ ગાડીમાં જ દારૂના ચાર પેગ પીધા હતા.
શનિવારે મોડી રાત્રે અલકાપુરી ગરનાળાથી લઈને રેસકોર્સ રોડ તરફ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક i20 કાર ચાલક મુખ્ય રોડ પર વાંકીચૂકી કાર ચલાવી રહ્યો હતો. જેને જોઈને વાહનચાલકો ડરી ગયા હતા. રસ્તા પર જતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાનો વીડિયો એક રિક્ષાચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. કારચાલકે પોતાની કાર ડિવાઇડર સાથે પણ અથડાવી હતી અને કેટલાક વાહનોને ટક્કર મારતા મારતા રહી ગયો હતો.
આ સમયે કાર ચાલકે વડોદરા શહેર પોલીસ કમિશનરના બંગલા સામે કાર ઊભી રાખી હતી અને ત્યાં લોકો સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. બનાવની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી કાળુભાઈ જોધાભાઈ સાટીયા (રહે. ભવાની સોસાયટી, કામરેજ ચાર રસ્તા, સુરત)ની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.