સોમવારે બપોરે ઢાકામાં બાંગ્લાદેશ વાયુસેનાનું F7 તાલીમ વિમાન ક્રેશ થયું. આ અકસ્માત બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના લોકો બાળકો છે. ક્રેશને કારણે વિમાનમાં આગ લાગી હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ વિમાન એક શાળામાં ઘૂસી ગયું હતું અને અકસ્માત પછી આગ લાગવાથી અનેક ડઝન લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.
અકસ્માતનો ભોગ બનેલું F-7 BGI તાલીમ વિમાન ચીનમાં બનેલું હતું અને બાંગ્લાદેશ વાયુસેનાનો ભાગ હતું. આ વિમાન ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. અત્યાર સુધીમાં સ્કૂલ કેમ્પસમાં જ 19 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવવાની ધારણા છે. બચાવ કામગીરી ચાલુ છે. ઓછામાં ઓછા 72 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી આઠની હાલત ખૂબ જ ગંભીર હતી. વિમાનના પાયલોટને લશ્કરી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે જે ઇમારત સાથે વિમાન અથડાયું હતું, ત્યાં પહેલાથી સાતમા ધોરણના બાળકોના વર્ગો ચાલે છે. તે બે માળની ઇમારત છે અને વિમાન નીચેના ભાગમાં અથડાયું હતું. વિમાન અથડાતાની સાથે જ એક મોટો વિસ્ફોટ થયો અને ઇમારતમાં આગ લાગી ગઈ. આ પછી, રાહત અને બચાવ કાર્યકરો મૃતદેહોને બેગમાં મૂકતા જોવા મળ્યા. ઘાયલોને ડઝનબંધ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ફાઇટર પ્લેન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ, ફાયર વિભાગની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં, ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન ઉત્તરા 17 સ્થિત માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં બપોરે 1:30 વાગ્યે ક્રેશ થયું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન શાળાના મકાન સાથે અથડાયું, ત્યારબાદ તેમાં આગ લાગી. અકસ્માત પછી, નજીકમાં હાજર લોકો પણ દોડી આવ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
સેના અને ફાયર ઓફિસરે અકસ્માત વિશે વિગતવાર માહિતી આપી. અકસ્માત સમયે શાળાના પરિસરમાં બાળકો હાજર હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે અહીં વર્ગો ચાલી રહ્યા હતા. બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે એક સંક્ષિપ્ત નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે ક્રેશ થયેલ વિમાન F-7 એરફોર્સનું હતું. ફાયર ઓફિસર લીમા ખાને ફોન પર જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. જોકે, બાદમાં મૃત્યુઆંક વધીને 19 થયો છે અને ઘાયલોની સંખ્યા 100 થી વધુ છે. આ સંખ્યા વધવાની ધારણા છે.