- દત્તાશ્રય આશ્રમમાં દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદ નું ઘન પાઠ પારાયણ થઈ રહ્યું છે.
- રોજના 100 શ્રીફળ હોમવા માં આવે છે. આ રીતે મહિના દરમિયાન કુલ 3000 શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે. શ્
- રાવણ માસના અંતિમ દિવસે આશ્રમમાં સવા લાખ પાર્થિવ શિવલિંગ ની રચના કરીને વિશેષ અનુષ્ઠાન કરવામાં આવશે.

હાંસોટ ના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદ નું ઘન પાઠ પારાયણ થઈ રહ્યું છે. આ પારાયણમાં 25 વૈદિક બ્રાહ્મણો દ્વારા પંચ કુંડમાં મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસ નિમિત્તે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં રોજના 100 શ્રીફળ હોમવા માં આવે છે. આ રીતે મહિના દરમિયાન કુલ 3000 શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે. સાથે જ દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ આપવામાં આવી રહી છે.આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આચાર્ય ભાવિન પંડ્યાના જણાવ્યા અનુસાર, શુક્લ યજુર્વેદમાં 1975 મંત્રો છે. તેમાં સંહિતા, પદ અને ક્રમ એમ ત્રણ પ્રકૃતિ અને આઠ વિકૃતિઓ છે.એક સામાન્ય મંત્રની તુલનામાં ઘન પાઠમાં દસ ગણો વધુ સમય લાગે છે. આ શ્રુત પરંપરા લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સમગ્ર ભારતમાં માત્ર 50 જેટલા બ્રાહ્મણો જ ઘનપાઠ કરી શકે છે. દત્તાશ્રયમાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસે આશ્રમમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની રચના કરીને વિશેષ અનુષ્ઠાન કરવામાં આવશે. આ દિવ્ય દર્શન માટે હજારો ભક્તોના આગમનની અપેક્ષા છે.

