વોકહાર્ટ કંપની-કામદારો વચ્ચે વિવાદ માં કામદારો એ પગાર વધારાની માંગ સાથે કામદારો આંદોલન શરુ કરે એ પૂર્વે કંપની ગેટ પર બાઉન્સર મૂકી કામદારો કંપની માં પ્રવેશ અટક્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા બનાવતી કંપની વોકહાર્ટ માં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. કામદારોને પગાર વધારા અને અન્ય લાભો ની માગણી સાથે કંપનીના ગેટ પર 9 સપ્ટેમ્બર ના રોજ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ કામદારો કંપનીમાં આવી વિરોધ શરુ કરે એ પૂર્વે જ કંપની દ્વારા કામદારો વિરોધ પ્રદર્શન સામે ગેટ પર બાઉન્સરો ની ફોજ ઉભી કરી દીધી હતી. અને કામદારો પહેલા બાંહેધરી પત્ર આપ્યા બાદ જ પ્રવેશ નો આદેશ પણ છોડી દેવામાં આવ્યો હતો. જો કે કામદારો નિયત કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંપનીના સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો દ્વારા કામદારોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. જેનાથી મામલો વધુ ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે, મળતી માહિતી મુજબ હાલ કંપની મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.કામદારોનો આક્ષેપ છે કે, કંપની મેનેજમેન્ટે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તેમને અંદર જતા રોક્યા છે અને બાઉન્સરો રાખીને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 52 મહિનાથી પગાર વધારા અંગે સમાધાનની વાટાઘાટો ચાલી રહી હતી.બીજી તરફ, કંપની મેનેજમેન્ટ સ્પષ્ટતા કરી છે કે, કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે. તેથી, જ્યાં સુધી તેઓ બાંહેધરી પત્ર નહીં આપે ત્યાં સુધી તેને ફેક્ટરી માં પ્રવેશ મળશે નહીં. આ ઘટનાથી બંને પક્ષો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. કામદારોના જણાવ્યા મુજબ નીચે આપેલા પત્ર જે ગત 7/9/25નો છે, જે સાત તારીખે નહીં પણ આજે (9/9/25) જ ગેટ પર લગાવવામાં આવ્યો છે. જ્યારે મેનેજમેન્ટનું કહેવું છે કે, તેમણે આ પત્ર દ્વારા કામદારોને જાણ કરી હતી. આ પત્રમાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે, કામદારો કામના સ્થળ પર ગેરવર્તણૂક કરે છે, જેના કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થાય છે. જેથી કામદારો સામૂહિક રીતે બાંહેધરી પત્ર આપશે પછી જ તમને કંપની પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે.

