- વહેલી સવારે લાગેલી આગ માં ફાયર ટેન્ડરો ની ટીમ દોડતી થઇ હતી.
- પાલિકા, ડીપીએમસી, પાનોલી અને ખાનગી કંપની ની ફાયર ટીમ કામે લાગી હતી.
- 8 જેટલા ફાયર ટેન્ડર ની મદદ થી 3:30 કલાક ની જહેમત કાબુ મેળવાયો હતો.
- જાનહાની નહિ પણ ફાયર એન.ઓ.સી નો અભાવ જોવા મળ્યો હતો.
- પ્લાસ્ટિક અને પુઠ્ઠાં વેસ્ટ ને લઇ આગ ભીષણ બની હતી.

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગતા ફાયર સાયરન થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નવજીવન હોટલ પાસે આવેલા આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા, નજીક આવેલી પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ ની ફાયર ટીમ, અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 જેટલા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ટીમોએ સતત 3 :30 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને કાબૂમાં લેવા માટે પોલીસ નો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના ની જાણ તાલુકા ડિઝાસ્ટર ટીમ ને થતા મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ થી હોવાનું ડિઝાસ્ટર ટીમ વડા કરણસિંહ રાજપૂત એ જણાવ્યું હતું. તેમજ કોઈ જાનહાની ના થઇ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

