- સુરત તરફ સોયાબીન તેલ ભરી જતા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી..
- પ્રથમ ટેન્કરના ટાયરમાં આગ ફાટી નીકળતા ચાલકની સમય સૂચકતા ટેન્કરને રોડ સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.
- પાનોલી ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની વિગતો અનુસાર કચ્છ જિલ્લાના મુદ્રાથી ટેન્કરમાં સોયાબીન તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના પાનોલી-ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કર ના ટાયર માં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરી ટેન્કરને રોડની સાઈડમાં ઉભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ટેન્કરમાં ફાટી નીકળેલી આગના પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જોકે, ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરો સફળતા મળી હતી. આગ ના પગલે માર્ગ પર થયેલા ટ્રાફિક જામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

