- લોડ ટેસ્ટિંગ પૂર્ણ થયો હતો. ભારે વાહનો માટે રાહ જોવી પડશે.
- બ્રિજ ગત 22 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો.
- વહીવટી તંત્રના આગામી આદેશ બાદ આ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતા થઈ જશે.

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરના જોડતા વ્યૂહાત્મક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ નું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રિજ ગત 22 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો, જેથી ટેસ્ટિંગ પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય. પ્રક્રિયા પૂર્ણ થતાં જ તંત્ર દ્વારા આ બ્રિજને તાત્કાલિક અસરથી હળવા વાહનો જેવા કે રીક્ષા, બાઈક અને મિનીબસ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, બ્રિજ પરથી ભારદારી વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાલમાં પણ યથાવત્ રાખવામાં આવ્યો છે. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, લોડ ટેસ્ટિંગનો અંતિમ રિપોર્ટ આવે અને તે રિપોર્ટમાં બ્રિજની ક્ષમતા અંગે સંતોષકારક વિગતો મળે, ત્યારબાદ જ ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે. લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે, કેમ કે હળવા વાહનો માટેનો ટ્રાફિક પુનઃ શરૂ થતાં જંબુસર અને આમોદ વચ્ચેની અવરજવર હવે સરળ બનશે. વહીવટી તંત્રના આગામી આદેશ બાદ આ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતો થઈ જશે, જેનાથી આ વિસ્તારનો વેપારી અને સામાજિક વ્યવહાર પૂર્વવત્ ઝડપ પકડશે.

