આદિવાસી સ્મશાન ને જોડતો પાકો રસ્તો ન હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.

હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાન ને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. હાંસોટમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે. કાદવ અને કીચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલી પૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે. નજીક માંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે, જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે. તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતાં જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક વતનીઓ માં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે હાંસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે રૂ. 5 લાખની મંજૂરી મળી ચૂકી છે પરંતુ જમીન ખાર વાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે.આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

