Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ‘રસમે પરચમ’ સાથે ભવ્ય પ્રારંભ

અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી (રહ.) ની દરગાહ શરીફ ખાતે ૪૪૨માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગતરોજ દરગાહ ખાતે પરંપરાગત રીતે ‘રસમે પરચમ’ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી. અજમેર શરીફ ખાતે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની ૨૫મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસમે પરચમ કરવામાં આવે છે, તે જ રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી. રસમે પરચમ એ હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ઉર્સની શરૂઆતનું પ્રતીક છે. સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલા, એટલે કે જમાદિ-ઉલ-આખિર મહિનાની ૨૫મી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચઢાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે.
આ પ્રસંગે દરગાહના સજ્જાદા નશીન સૈયદ મન્સુર અલી નાસીર અલી ઈનામદાર તેમજ અન્ય સાદાતે ઈકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ, ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજારોહણ સમયે ઢોલ-નગારાના ગુંજારવ સાથે ઉર્સના આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉર્સના આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ, તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલ-એ-ઝીકર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવારના રોજ ૪૪૨માં સંદલ શરીફની વિધિ યોજાશે, જેમાં અસરની નમાઝ બાદ કુરાન ખ્વાની અને ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ થશે. ત્યારબાદ તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે રીફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે. સજ્જાદા નશીન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુઆ અને ઝિયારતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

error: Content is protected !!
Scroll to Top